તાજેતરના સમયમાં ખેડૂતો આર્થિક રીતે ફાયદાકારક અને એગ્રોફોરેસ્ટ્રીના અભિન્ન ઘટક તરીકે કેટલાક વૃક્ષોના ઉછેરમાં ખૂબ રસ દાખવી રહ્યા છે. ચંદન એક એવું વૃક્ષ છે જેના ઊંચા આર્થિક વળતરના કારણે તેમાં ખેતી કરનારા અને કોર્પોરેટ સમુદાયોને ઘણો રસ પડ્યો છે. ભારત એ સમગ્ર વિશ્વમાં પૂર્વ ભારતીય (ઇસ્ટ ઇન્ડિયન) ચંદનનો મુખ્ય નિકાસકાર દેશ છે, જે કુલ વૈશ્વિક ઉત્પાદનમાં 90% હિસ્સો ધરાવે છે. મોટાભાગની પેદાશો મુખ્યત્વે કુદરતી ખેતીમાંથી આવે છે. હાલમાં ચંદનના વૃક્ષો આડેધડ કાપવાના કારણે જબરદસ્ત દબાણ હેઠળ છે, ખાસ કરીને તેનું નિકાસ મૂલ્ય ઊંચું હોવાથી તેની માંગ રહે છે. આ ઉપરાંત તે ફરીથી ઉગવામાં વાર લાગે છે, આગ, રોગ અને જમીનના ઉપયોગની પેટર્ન બદલાવાથી ચંદનની અછત સર્જાય છે.
ચંદનનું વાર્ષિક ઉત્પાદન ઘટીને વર્ષે 400થી 500 ટન સુધી થયું છે. તેની સામે પ્રતિ વર્ષ 5000 થી 6000 ટન હાર્ટવૂડ અથવા 100-120 ટન તેલની વૈશ્વિક માંગ છે.
(ચંદનના સંરક્ષણ, સુધારણા, ખેતી અને વ્યવસ્થાપન પરના રાષ્ટ્રીય પરિસંવાદની કાર્યવાહી (eds Gairola S.etal.), 12-13 ડિસેમ્બર 2007, પૃષ્ઠ 1-8)
ચંદનના ઘટતા કુદરતી જથ્થાના કારણે રાષ્ટ્રીય અને આંતરરાષ્ટ્રીય બજારમાં ચંદનની કિંમતમાં અનેક ગણો વધારો થયો છે અને પૂર્વ ભારતીય ચંદનમાં વ્યાવસાયિક સાહસોનું આકર્ષણ વધ્યું છે.
પૂર્વ ભારતીય ચંદન (સેન્ટલમ આલ્બમ એલ.) એ કીંમતી લાકડા પૈકીનું એક છે જે તેની મીઠી ભીની સુગંધ અને રાષ્ટ્રીય અને આંતરરાષ્ટ્રીય બજારોમાં કમર્શિયલ મૂલ્ય માટે જાણીતું છે. આ ઉપરાંત, અલગ અલગ વાતાવરણને અનુકૂળ થવાની ક્ષમતાના કારણે ખેડૂતો અને કોર્પોરેટ્સ ચંદનમાં વ્યાવસાયિક સાહસો તરફ આકર્ષાયા છે.
ચંદન એ અર્ધ-મૂળ પરોપજીવી છોડ છે, ચંદનના વાવેતરની સફળતાનો આધાર પરોપજીવી ઇકોલોજી, ખાસ કરીને યજમાન અને પરોપજીવી વચ્ચેના સંબંધો, તેમના પ્રમાણ અને અન્ય સિલ્વીકલ્ચર ટેકનીકની સમજ પર આધાર રાખે છે. હોસ્ટોરિયલ જોડાણો દ્વારા ખનિજ પોષક તત્વો અને પાણી માટે ચંદન યજમાન છોડ પર આધાર રાખે છે જે પરોપજીવી અને યજમાન વચ્ચે એક સેતુ તરીકે કામ કરે છે. જ્યાં ફળીદાર સંપર્ક વધુ ગાઢ હોય છે ત્યાં તે ઘાસથી વૃક્ષો સુધીના છોડની વિશાળ શ્રેણીમાં પરોપજીવી બને છે.  ઊંડા મૂળ ધરાવતા અને ધીમી વૃદ્ધિ પામતા બારમાસી યજમાનો ચંદનને સતત વૃદ્ધિમાં મદદ કરે છે. હાર્ટવૂડ અને તેલની સારી ઉપજ મેળવવા માટે આપણે તેને 15 વર્ષથી વધુ સમય માટે ઉગાડવું જોઈએ. ચંદન માટે ઉપજ લેવાની શ્રેષ્ઠ વય 25-30 વર્ષ હશે.
ચંદન કુદરતી રીતે ઇન્ડોનેશિયા, પાકિસ્તાન, બાંગ્લાદેશ, હવાઈ, શ્રીલંકા અને અન્ય પેસિફિક ટાપુઓ જેવા ઘણા પ્રદેશોમાં જોવા મળે છે. ચંદન એ ઓસ્ટ્રેલિયા અને ભારતનું વતની છે. ભારતીય ચંદનનું તેલ અને લાકડું વિશ્વના બજારમાં ખૂબ કિંમતી ગણાય છે. તેને ઘણીવાર પૂર્વ-ભારતીય ચંદન તરીકે પણ ઓળખવામાં આવે છે. ચંદનનું પીળા રંગનું સુગંધિત તેલ આ ઝાડના લાકડા અને મૂળ બંનેમાંથી મેળવવામાં આવે છે. ચંદનમાંથી બનેલી વસ્તુઓમાં ચંદનની સુગંધ દાયકાઓ સુધી ટકી રહે છે. તે એક સદાબહાર વૃક્ષ છે જે ધીમી વૃદ્ધિ કરે છે અને તેની ઊંચાઈ લગભગ 10થી 15 મીટર સુધી પહોંચે છે. છાતીની ઊંચાઈ પર તેનો ઘેરાવો 1થી 2.5 મીટર સુધી હોય છે. વૃક્ષનું બજારમાં વેચાણ કરી શકાય તેવી ક્ષમતાએ પહોંચવામાં લગભગ 15 વર્ષ લાગે છે. જોકે, ફળદ્રુપ પરિસ્થિતિઓમાં વૃક્ષને કોમર્શિયલ મૂલ્ય સુધી પહોંચવામાં લગભગ 20 વર્ષ લાગી જાય છે. તેના પાંદડા ચામડા જેવા અને દાંડીની બંને બાજુએ જોડીમાં હોય છે. ચંદનના પરિપક્વ પાંદડા વાદળીથી લીલા-પીળા રંગના હોય છે જ્યારે તાજા પાંદડા ગુલાબી લીલા હોય છે જે વૃક્ષને સદાબહાર બનાવે છે. યુવા વૃક્ષોની છાલ લાલ-ભૂરા રંગની અને સુંવાળી હોય છે જ્યારે પરિપક્વ વૃક્ષો ખરબચડા અને ઘેરા બદામી રંગના હોય છે જેમાં ઊંડી ઊભી તિરાડો હોય છે. છાલનો અંદરનો ભાગ લાલ રંગનો રહે છે. ચંદનનું વૃક્ષ અન્ય વૃક્ષ પ્રજાતિઓના મૂળ પર અર્ધ-પરોપજીવી હોય છે. વૃક્ષના મૂળ પહોળા ફેલાય છે અને નજીકના વૃક્ષના મૂળ સાથે ‘રુટ ગ્રાફ્ટિંગ’ બનાવે છે. તેના મૂળને નજીકના વૃક્ષના મૂળ સાથે જોડીને તે તેના વિકાસ માટે પાણી અને પોષક તત્વો મેળવે છે. વૃક્ષનું ફલીકરણ તેની ઉંચાઈ પર નિર્ભર કરે છે. ઊંચાઈ પરના વૃક્ષોની તુલનામાં ઓછી ઊંચાઈએ ઉગતા વૃક્ષો પર ફૂલો એક મહિના વહેલા શરૂ થાય છે. તાજા યુવાન ફૂલો પીળા હોય છે અને પરિપક્વ થાય ત્યારે ઊંડા જાંબલી-ભૂરા રંગમાં બદલાઈ જાય છે. અંકુરની શરૂઆતથી એન્થેસિસ સુધી એક મહિનો અને પ્રારંભિક તબક્કાથી ફળ પાકવા માટે ત્રણ મહિનાનો સમય લાગે છે. ચંદનનું વૃક્ષ વિવિધ પર્યાવરણીય અને આબોહવાની પરિસ્થિતિઓમાં સારી રીતે ઉગે છે.

 

ચંદનના છોડનું વૈજ્ઞાનિક નામ સેન્ટાલમ આલ્બમ છે, જે સેન્ટાલેસેઈ (Santalaceae) વર્ગમાં આવે છે.
આંતરરાષ્ટ્રીય વ્યાપારમાં માંગ ધરાવતી મુખ્ય પ્રજાતિઓ આ મુજબ છે:
સેન્ટાલમ આલ્બમ (ઈસ્ટ ઈન્ડિયન સેન્ડલવુડ) – મૂળ ઈન્ડોનેશિયા અને ભારતમાં ઉગે છે. ઉત્તર ઓસ્ટ્રેલિયાના છેડે તે પ્રાકૃતિક ઉગતા હોવાનું માનવામાં આવે છે. ઐતિહાસિક રીતે, એસ. આલ્બમ એ આંતરરાષ્ટ્રીય વેપારમાં ચંદનની ખૂબ જ જાણીતી પ્રજાતિ છે. પ્રજાતિઓ હવે તેના મૂળ વિસ્તારોમાં વ્યાપારી રીતે લુપ્ત થઈ ગઈ છે, જેમાં મોટાભાગનો ભવિષ્યનો પુરવઠો ઉત્તર ઑસ્ટ્રેલિયાના વાવેતરમાંથી આવે છે (આ ઉપરાંત એશિયાના ઘણા ઉષ્ણકટિબંધીય દેશોમાં સ્થપાયેલા વાવેતરમાંથી પણ પૂરવઠો આવશે).
એસ. સ્પાઇકેટમ (S.s.spicatum) (ઓસ્ટ્રેલિયન ચંદન)- દક્ષિણ-પશ્ચિમ ઓસ્ટ્રેલિયાનું વતની છે. WA સત્તાવાળાઓ દ્વારા વધુ સારા વ્યવસ્થાપનને કારણે તાજેતરના દાયકાઓમાં તેઓ ચંદનનો ભારે વેપાર કરે છે. તે તેના તેલ માટે મૂલ્યવાન ગણાતું નથી કારણ કે તેમાં સેન્ટાલોલની ટકાવારી ઓછી છે અને E, E ફર્નેસોલનું સ્તર ઊંચું હોય છે. પરંતુ તે અગરબત્તીઓ, કોતરકામ માટેના લાકડા વગેરે માટે વધુ યોગ્ય છે.
S.austrocaledonicum (સેન્ડલવૂડ) એ મૂળભૂત રીતે ન્યૂ કેલેડોનિયા અને વેનુઆટુનું વતની છે. તેલની ગુણવત્તા અમુક જગ્યાએ બદલાતી રહે છે (જેમ કે વેનુઆટુમાં સાન્ટો અને મલેકુલા અને ન્યુ કેલેડોનિયામાં આઈલ ઓફ પાઈન) જે પૂર્વ ભારતીય ચંદન તેલની જેમ અત્યંત ઉચ્ચ ગુણવત્તાવાળું તેલ ધરાવે છે.
એસ. યાસી (યાસી અથવા અહી) – ફિજી, ટોંગા અને નીયુનાની વતની છે. તે સામાન્ય રીતે ઉત્કૃષ્ટ ગુણવત્તાવાળા હાર્ટવૂડ અને તેલનું ઉત્પાદન કરે છે, જે પૂર્વ ભારતીય ચંદન માટેના આઇએસઓ ધોરણોનું પાલન કરે છે. જોકે, મર્યાદિત વિશ્લેષણ સૂચવે છે કે તેના તેલમાં લગભગ 2-3% જેટલું E, E ફાર્નેસોલ સ્તર હોય છે: આ એક શંકાસ્પદ ત્વચા એલર્જન છે જે યુરોપમાં પરફ્યુમ અને બોડી કેર પ્રોડક્ટના ઉત્પાદનમાં એસ. યાસી તેલના ઉપયોગને મર્યાદિત કરી શકે છે.
એસ. પેનિક્યુલાટમ (‘iliahi) હવાઇનું વતની
ચંદનનું વાવેતર
ચંદનની વૃદ્ધિ માટે અનુકુળ સ્થિતિ. એક વર્ષની અંદર મધ્યમ વરસાદ, સખત તડકો અને મોટે ભાગે શુષ્ક હવામાન ધરાવતાં સ્થળો. તેઓ ઉષ્ણકટિબંધીય અને ઉપ-ઉષ્ણકટિબંધીય પ્રદેશોમાં સારી રીતે ઉગે છે જ્યાં આબોહવા ગરમ હોય છે. રેતાળ, લાલ માટી અને માટીથી ભરપૂર કાળી જમીન જેવી વિવિધ જમીનમાં ચંદનના છોડ સારી રીતે ઉગે છે. 6.0 થી 7.5 સુધી માટીનું pH મૂલ્ય ધરાવતી લાલ ફળદ્રુપ લોંદાવાળી જમીન તેને અનુકુળ આવે છે. ચંદનનું ઝાડ કાંકરીવાળી જમીન, ખડકાળ જમીન, ભારે પવન, તીવ્ર ગરમી અને દુષ્કાળની પરિસ્થિતિને પણ સહન કરી શકે છે. આકરો સૂર્યપ્રકાશ તે સહન કરી શકે છે પરંતુ આંશિક છાંયામાં તે વૃદ્ધિ કરશે. તે 13° થી 36° સે તાપમાનમાં અને 825 થી 1175 મિલીમીટરની વચ્ચે વાર્ષિક વરસાદ સાથે સારી રીતે ઉગે છે. ચંદન સંવેદનશીલ હોય છે અને પાણીનો ભરાવો તેને નુકસાન પહોંચાડે છે. યોગ્ય અને સંપૂર્ણ વૃદ્ધિ માટે 1960 થી 3450 ફૂટની ઉંચાઈવાળા પ્રદેશોમાં આવેલી જમીન સૌથી વધુ પસંદ કરવામાં આવે છે.
અન્ય વાવેતરોથી વિપરીત ચંદનનાં વાવેતરને યોગ્ય વૃદ્ધિ માટે યોગ્ય જગ્યાની જરૂર પડે છે. સારો સૂર્યપ્રકાશ મળતો હોય તેવી ઉત્તરથી પશ્ચિમ તરફ ઢોળાવ ધરાવતી જમીનો વધુ અનુકુળ આવે છે. મુક્ત રીતે પાણી વહી જાય તેવી જમીનો વાવેતર માટે આદર્શ છે. આ જમીન 40 સેમીની ઊંડાઈ સુધી ખેડવી જોઈએ. મૂળના પ્રવેશને સરળ બનાવવા માટે જમીનને બે ઊંડા ખેડાણ સાથે તૈયાર કરો. છેલ્લા હળમાં સારી માત્રામાં છાણિયું (ફાર્મયાર્ડ) ખાતર ઉમેરો. સાઇટ પરથી તમામ નીંદણ સાફ કરો. માત્ર વૃક્ષોને રહેવા દો જે યોગ્ય યજમાન તરીકે કામ કરશે.
આપણે બીજ અથવા વનસ્પતિ કલમ દ્વારા ચંદનને ઉગાડી શકીએ છીએ. બીજ દ્વારા ચંદન ઉગાડવા માટે 15-20 વર્ષ જૂના વૃક્ષોના બીજ એકત્રિત કરવામાં આવે છે, તેને 24 કલાક પાણીમાં પલાળી રાખવામાં આવે છે અને બીજના કોટને તિરાડ પડે ત્યાં સુધી તડકામાં સૂકવવામાં આવે છે જે બીજના અંકુરણને સરળ બનાવે છે.
વનસ્પતિથી ચંદન ઉગાડવા માટે કલમ અથવા એર-લેયરિંગ અથવા મૂળ કાપીને તેનો ઉપયોગ કરવામાં આવે છે. મોટા ભાગના કોમિર્શિયલ રીતે ઉપલબ્ધ ચંદનનાં રોપાઓમાં ટીશ્યુ કલ્ચરનો ઉપયોગ કરવામાં આવે છે. આ પદ્ધતિ સરળ છે અને સફળતાનો દર લગભગ 60% છે. Vegetative propagation માં વાવેતરનો સમય મહત્ત્વનો હોય છે જેમ કે એપ્રિલની શરૂઆતમાં વાવેલા કટીંગે મે મહિનામાં વાવેલા કટીંગ કરતા વધુ સારો દેખાવ કર્યો હતો.
ખેતરમાં રોપાઓ રોપતા પહેલા, યજમાન છોડને ચંદનના નાના છોડ સાથે મળીને બહાર કાઢવા માટે તેને વહેલા ઉછેરવા જોઈએ. સ્વદેશી બાવળની પ્રજાતિઓ, કેસુઆરીના એસપીએસ, કેજાનસ એસપીએસ, ક્રોટોન મેગાલોકાર્પસ વગેરે ચંદનની ખેતી માટે અનુકુળ યજમાન છોડનું કામ કરે છે.
ઓછામાં ઓછા 3 મી x3 મી અથવા 5 મી x 5 મી સેમી અંતર સાથે 45 x 45 x 45 સેમી કદના ખાડાઓ ખોદવામાં આવે છે જેમાં પ્રતિ એકરમાં આશરે 450થી 400 ચંદનનાં છોડ વાવવામાં આવે છે. દરેક ખાડો લાલ માટી અને ખેતરના ખાતર અથવા કોમ્પોસ્ટથી 1:2 ના પ્રમાણમાં ભરવામાં આવે છે. દરેક હરોળમાં લગભગ દરેક પાંચમા ઝાડ પર, એક લાંબા ગાળાનો છોડ વાવવામાં આવે છે અને ચંદનના છોડથી દર 150 સે.મી.ના અંતરે એક વચગાળાનો છોડ વાવવામાં આવે છે. મધ્યવર્તી છોડ ચંદનના છોડ કરતાં ઊંચા હોવા ન જોઈએ. તેથી તેની નિયમિત કાપણી કરવી જરૂરી છે. જે રોપા 6થી 8 મહિનાના હોય અથવા જે છોડ લગભગ 30 સે.મી.ની ઊંચાઈ ધરાવતા હોય તે પ્રાથમિક ખેતરમાં રોપવા માટે આદર્શ ગણાય છે. ચંદનનો યુવા (નવોદિત) છોડ ભૂખરી દાંડી સાથે સારી રીતે શાખાઓ વાળો હોવો જોઈએ.
વરસાદ આધારિત ખેતીમાં ચંદન સારી રીતે વૃદ્ધિ કરે છે. ઉનાળામાં તેને પાણી આપવાની જરૂર પડી શકે છે. ચંદનના નવોદિત છોડને ઉનાળાની ઋતુમાં 2-3 અઠવાડિયાના ગાળે એકવાર પાણી આપવાનું હોય છે. ગરમીમાં અને ઉનાળાના દિવસોમાં આપણે ટપક સિંચાઈ દ્વારા પાણી આપી શકીએ છીએ. જમીનની ભેજ જાળવી રાખવાની ક્ષમતાના આધારે ડિસેમ્બરથી મે મહિનામાં સિંચાઈ કરી શકાય છે. હૌસ્ટોરિયાના માધ્યમથી વૃક્ષો તેમના મોટાભાગના પોષક તત્ત્વો નજીકના યજમાન છોડમાંથી મેળવે છે, તેથી તેઓ ખૂબ ઓછા ખાતર સાથે ટકી શકે છે. જોકે, ઓર્ગેનિક ખાતર જેમ કે કોમ્પોસ્ટ, છાણીયું ખાતર અને લીલું ખાતર વૃક્ષોના વિકાસ માટે મદદરૂપ હોય છે.
પ્રથમ વર્ષમાં વ્યવસ્થિત રીતે નીંદણ કરવામાં આવે છે. તેમાં નિયમિત અંતરાલને અનુસરવામાં આવે છે. આ પ્રક્રિયા પોષક તત્વોના નુકસાન અને જમીનના ભેજને રોકવામાં મદદરૂપ બને છે. ખેડૂતો વધારાની આવક માટે જમીનના મહત્તમ ઉપયોગ તથા સોઈલ મેનેજમેન્ટ માટે આંતરપાક (વારાફરથી પાક) લઈ શકે છે. છીછરા મૂળવાળા ટૂંકા ગાળાના પાક આંતર-ખેતી માટે અનુકૂળ હોય છે.
ચંદનનાં વૃક્ષો પર ઘણી જાતના જંતુઓ હુમલો કરી શકે છે. પરંતુ માત્ર અમુક જ જંતુ વૃક્ષની આર્થિક કામગીરીને અસર કરી શકે છે. ચંદનના વૃક્ષને તેની વૃદ્ધિના પ્રારંભિક વર્ષો દરમિયાન જંતુ નુકસાન પહોંચાડી શકતા હોય છે.
ચંદનની લણણી
ચંદનનું વૃક્ષ 15 વર્ષ કરતા વધારે જૂનું હોય ત્યારે ચંદનની લણણી કરવાનો શ્રેષ્ઠ સમય હોય છે. 30 વર્ષથી વધુ જૂના અને 40 થી 60 સે.મી.નો ઘેરાવો ધરાવતા પરિપક્વ વૃક્ષોમાં હાર્ટવૂડ સારી રીતે રચાય છે. 50થી 60 સે.મી.નો ઘેરાવો ધરાવતા વૃક્ષમાંથી સરેરાશ 20થી 50 કિલો હાર્ટવૂડ મેળવી શકાય છે. હાર્ટવૂડનો કોર (મુખ્ય ભાગ) મેળવવા માટે સૅપવુડને થડ, મૂળ અને શાખાઓમાંથી છોલવામાં આવે છે. ચંદનના ખેતરો ધરાવતા કેટલાક વેપારી ખેડૂતો 10-12 વર્ષ જૂના વૃક્ષોની વહેલી કાપણી કરે છે જેણે 15-25 સે.મી.નો ઘેરાવો મેળવ્યો હોય છે. નવોદિત વૃક્ષમાંથી મળતું મહત્ત્વનું તેલ સામાન્ય રીતે નીચા ગ્રેડનું હોય છે. 13 વર્ષ જૂના વૃક્ષોમાં 12% હાઈ-ગ્રેડનું લાકડું હોય છે. 28 વર્ષ જૂના વૃક્ષોમાં 67% હાઈ-ગ્રેડ લાકડું હોય છે. તેના તેલનું મૂલ્ય લણણી કરેલા વૃક્ષોની ગુણવત્તા અને ગ્રેડ પર આધારિત હોય છે. ચંદનનાં વૃક્ષો જેટલાં જૂનાં હોય તે મુજબ શ્રેષ્ઠ ગુણવત્તાનું તેલ મળે છે અને લાકડાની ગુણવત્તા વધુ સારી હોય છે.
સામાન્ય રીતે જમીનથી 130 સે.મી. ઉપર થડના વ્યાસના 1/6મા ભાગથી ઓછા 13 સેમી કરતા મોટા વૃક્ષો કાપણી માટે પસંદ કરવામાં આવે છે. કોઈપણ કદનું પડી ગયેલું અથવા મૃત લાકડું તેલને લાંબા સમય સુધી જાળવી રાખે છે અને તેથી તેનો ઉપયોગ તેલ નિષ્કર્ષણ માટે પણ થઈ શકે છે. ધૂપ બનાવવા માટે કાપેલી ડાળીઓ અને લાકડાની રજનો ઉપયોગ થાય છે.
ઉપજ: ચંદનનાં વૃક્ષો સૌથી ધીમી વૃદ્ધિ પામતા વૃક્ષો પૈકી એક છે જેમાં હાર્ટવૂડની રચના માટે ઓછામાં ઓછા 10 થી 12 વર્ષ લાગી જાય છે. સાનુકૂળ આબોહવા અને સહાયક સિંચાઈ સાથે અનુકુળ જમીન હોય તો ચંદનનાં વૃક્ષોમાં વાર્ષિક 4 સેમીથી 5 સેમી જેટલો ઘેરાવો મળે છે.
ચંદનની ખેતીનું આર્થિક ગણિત
એક એકર જમીન પર ચંદનની ખેતી માટે રોકાણ અને દેખરેખ (મેન્ટેનન્સ)નો ખર્ચ
અહીં ઉલ્લેખ કરવામાં આવતા આંકડા માત્ર સૂચક છે અને બજારની માંગ પ્રમાણે બદલાઈ શકે છે.
ગ્રીડ સાઈઝ : 3 મીટર x 3 મીટર

 

એકર દીઠ કુલ છોડની સંખ્યાઃ 450
મધ્યમ-ગાળાના નુકસાનને એડજસ્ટ કરવા માટે ખરીદવામાં આવતા રોપાઓની સંખ્યા: 520
વૃક્ષ દીઠ કિંમત (ચંદનનો છોડ, યજમાન છોડ, મૂળભૂત ખાતરો, જીવંત લીલું ઘાસ વગેરે): ₹ 400/-
દરેક ખાડા દીઠ ખોદવાનો ખર્ચ ₹ 25
ટપક સિંચાઈની સુવિધાની કિંમત: ₹80,000/-
એકર દીઠ કુલ વાવેતર ખર્ચ: આશરે. ₹3,00,000/-
ખેતરનો વાર્ષિક જાળવણી ખર્ચ (કાપણી, મજૂરી, સિંચાઈ, વીજળી વગેરે સહિત): ₹2,00,000/-
15માં વર્ષે લાકડાનું ઉત્પાદન મળશે તેમ ધારતા પ્રોજેક્ટનો કુલ ખર્ચ: ₹33,00,000/-
આ ખર્ચમાં વૃક્ષની સુરક્ષાનો ખર્ચ સામેલ નથી. એકવાર વૃક્ષો તેલનું ઉત્પાદન શરૂ કરે તે પછી સુરક્ષા ખર્ચ જરૂરી બની જાય છે. ચંદનમાં હંમેશાથી ચોરીનું જોખમ રહે છે. ચંદનની ચોરીએ વિરપ્પન જેવા દાણચોરોને પણ જન્મ આપ્યો હતો. આથી સુરક્ષાની પૂરતી વ્યવસ્થા વિના તેની ખેતી કરવી ન જોઈએ. આવા સંજોગોમાં, સામૂહિક/સામુદાયિક ખેતી યોજનાઓ વધુ આકર્ષક બને છે કારણ કે તેમાં સુરક્ષાનો ખર્ચ વહેંચાઈ જાય છે.
સરેરાશ હાર્ટવૂડનું ઉત્પાદન 15 વર્ષમાં વૃક્ષ દીઠ 10 કિલો સુધી જઈ શકે છે. સારી જમીન અને અનુકુળ હવામાન તથા ખેતીની શ્રેષ્ઠ પદ્ધતિઓ હેઠળ તે પ્રતિ એકર 4.5 ટન સુધી પેદાશ આપે છે. આ રીતે વર્તમાન કિંમતે ચંદનના જંગલના 1 એકરમાંથી અંદાજિત ₹4,50,00,000નું વળતર મળી શકે છે. આનાથી ખેડૂતને 15 વર્ષમાં 4.17 કરોડ પ્રતિ એકરનો ચોખ્ખો નફો થાય છે.
ચંદનનું વૈશ્વિક બજાર તેજીમય છે. સાંતાલમ આલ્બમ તેલનું વર્તમાન વેચાણ પ્રતિ કિલો અંદાજે ₹1,30,000/- (દુબઈમાં લાઇસન્સ વિનાનું ઉત્પાદન)થી લઈને ₹1,60,000/- (ભારતમાંથી લાયસન્સ ઉત્પાદન)થી લઈને પ્રતિ કિલો ₹1,85,000/- સુધી ચાલે છે.
ઈન્સ્ટિટ્યૂટ ઑફ વૂડ સાયન્સ એન્ડ ટેક્નૉલૉજી, બેંગલુરુ મુજબ, પર્યાવરણ અને વન મંત્રાલયના ઈન્ડિયન કાઉન્સિલ ઑફ ફોરેસ્ટ્રી રિસર્ચ એન્ડ એજ્યુકેશનના નેજા હેઠળ, ભારત સરકાર.
પ્રથમ શ્રેણીના હાર્ટવૂડના ભારતીય ચંદનની કિંમત હાલમાં રૂ.7,500 પ્રતિ કિલો છે અને સરકારી દર મુજબ તેલનો ભાવ રૂ. 1,50,000 પ્રતિ કિલો છે. સ્થાનિક બજારમાં ચંદનની કિંમત રૂ. 16,500 પ્રતિ કિલો છે. આંતરરાષ્ટ્રીય બજારની કિંમત સ્થાનિક બજાર કરતા લગભગ 15થી 20% વધારે હોય છે. કિંમતમાં વાર્ષિક વધારો 25 ટકાના પ્રીમિયમ દરે રહેવાનો છે.

 

ચંદનનું ભવિષ્યઃ
ચંદન (સેન્ડલવુડ)ના ઘણા વિશિષ્ટ, ઉચ્ચ મૂલ્યના ઉપયોગો છે જે તેની કિંમતને નિર્ધારિત કરે છે અને વિવિધ બજાર તથા પ્રદેશોમાં તેની માંગ જાળવી રાખે છે: આમાં ઉચ્ચ ગુણવત્તાના પરફ્યુમ, વિશિષ્ટ કુદરતી શરીર સંભાળના ઉત્પાદનો અને નવી ફાર્માસ્યુટિકલ્સ (દવાઓ) સામેલ છે. ખાસ કરીને યુરોપીયન અને ઉત્તર અમેરિકન બજારો માટે પ્રોડક્ટનો સમાવેશ થાય છે. ચીન, કોરિયા અને જાપાનમાં ફર્નિચર, કોતરણી, પરંપરાગત દવાઓ અને ધાર્મિક ઉપયોગો માટે; ભારતમાં અત્તર, અંતિમ વિધિ માટે અને ચાવવાની તમાકુ માટે તથા મધ્ય-પૂર્વમાં પરંપરાગત ઉપયોગો માટે ચંદનની માંગ રહે છે.
2014માં હાથ ધરાયેલા અભ્યાસો મુજબ ચંદન તેલની વૈશ્વિક માંગ લગભગ 10,000 મેટ્રિક ટન સુધી પહોંચવાનો અંદાજ છે. એકલા ચીનને 2040 સુધીમાં 5000 મેટ્રિક ટન ચંદનના તેલની જરૂર પડશે. માંગ અને પુરવઠામાં આ તફાવતને કારણે ચંદનના બજાર ભાવમાં વાર્ષિક સરેરાશ 25%ની વૃદ્ધિ થવાનો અંદાજ છે. લાકડાંના વહેર સહિત કંઈપણ કચરામાં જતું ન હોવાથી તે પણ માર્કેટેબલ છે. સરકારી ધોરણોમાં હાલની છૂટછાટ સાથે ચંદનની ખેતીને પ્રોત્સાહન આપવા માટે તે ખૂબ જ નફાકારક વ્યવસાય બને છે.